22
યરૂશાલેમ વિષે ભવિષ્યવાણી 
 1 સંદર્શન ખીણને લગતી દેવવાણી: 
દરેક માણસો ક્યાં જઇ રહ્યાં છે? 
તેઓ પોતાના ઘરની ટોચ પર કેમ દોડી ગયાં છે? 
 2 અરે, શોરબકોરથી ભરપૂર, 
ઘોંઘાટ કરનાર નગર, 
મોજીલા નગર, 
તારા નિવાસીઓ જેઓ મૃત્યુ પામ્યા છે, 
તેઓ તરવારથી નથી મરાયા 
અને તેઓ યુદ્ધમાં પણ માર્યા ગયા નથી. 
 3 તમારા સર્વ સેનાપતિઓ 
તેઓ વધારે દૂર પહોંચે તે પહેલા 
તેમના શત્રુઓએ તેમને ધનુષ્ય 
બાણ વાપર્યા વગર પકડી પાડ્યા છે. 
 4 એટલે હું કહું છું કે, “મને એકલો રહેવા દો, 
મને દુ:ખમાં રડવા દો, 
મારા પોતાના લોકોના વિનાશ માટે 
મને દિલાસો આપવાની તસ્દી ન લેશો.” 
 5 કારણ કે, આ સૈન્યોના દેવ યહોવાએ મોકલેલો ભયનો, વિનાશનો અને અંધાધૂંધીનો દિવસ છે. સંદર્શનની ખીણમાં આવેલો કોટ તોડી પાડવામાં આવ્યો છે. અને મદદ માટે ઊઠેલા પોકારના પડઘા પર્વતોમાં ગાજી ઊઠયા છે.  6 એલામના લશ્કરે બાણોથી સજ્જ થઇને ઘોડા તથા રથો તૈયાર કર્યા છે. કીરના યોદ્ધાઓએ પોતાની ઢાલો ધારણ કરી છે.  7 યહૂદાની સૌથી રળિયામણી ખીણો રથોથી ભરાઇ ગઇ છે અને ઘોડેસવારો યરૂશાલેમના દરવાજા આગળ આવી ઊભા રહ્યા હતા.  8 યહૂદા રક્ષણ વગરનું નિરાધાર થઇ ગયું. અને તે દિવસે તમે શસ્ત્રાગારમાં સંઘરેલા શસ્ત્રો તપાસી જોયાં. 
 9 વળી તમે જોયું કે દાઉદનગરમાં કોટમાં પડેલાં અનેક ભંગાણોની તપાસ કરી. અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું.  10 અને ત્યાર પછી તમે યરૂશાલેમનાં ઘરોની ગણતરી કરી, અને કોટનું સમારકામ કરવા માટે ઘરોને પાડી નાખ્યાં.  11 અને તમે નીચલો કુંડ પાણીથી ભરી લીધો, અને પ્રાચીન પુલની બે દીવાલો વચ્ચે ટાંકી બનાવી પરંતુ આ બધાંનું લાંબા સમય પહેલાં નિર્માણ કરનાર અને તેનું ધ્યાન રાખનાર દેવનો તમે ન તો વિચાર કર્યો કે ન તેને સંભાર્યો. 
 12 વળી તે દિવસે સૈન્યોના દેવ યહોવાએ તો તમને રડવાનું, છાતી કૂટવાનું, માથું મૂંડાવી શોકની કંથા પહેરવાનું કહેતા હતા,  13 પરંતુ તેને બદલે તમે તો આનંદોત્સવ કર્યો, 
“ઢોર વધેર્યા, ઘેટાં માર્યા, માંસ ખાધું 
અને દ્રાક્ષારસ પીધો અને વિચાર્યુ કે, 
આજે ખાઇ પી લઇએ, 
કારણ, કાલે તો આપણે મરી જવાનું છે.” 
 14 સૈન્યોના દેવ યહોવાએ મને દર્શન આપીને વચન આપી કહ્યું “તેમના જીવનકાળ દરમ્યાન તે તેમની દુષ્ટતા ને માફ નહિ કરે.” આ સૈન્યોના દેવ યહોવાના વચનો છે. 
શેબ્ના માટે દેવનો સંદેશ 
 15 સૈન્યોના દેવ મારા યહોવા મને કહ્યું, “શેબ્ના, જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઇને તેને કહે કે,  16 અહીં તારે શું કામ છે, તને અહીં શો અધિકાર છે કે તેં તારે માટે પર્વત ઉપર ખડકમાં કબર ખોદાવી છે? હું તને જોરથી ઝાટકી નાખીશ. 
 17 “હે શૂરવીર માણસ, યહોવા તને કઠોરતાથી હચમચાવવાનાં જ છે.  18 તે તને જરૂર દડાની જેમ લપેટીને વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે અને ત્યાં તારું મૃત્યુ થશે. તારાં ભભકાદાર રથો ત્યાં જ રહેશે, તેં તારા ધણીના નામને બદનામ કર્યુ છે.” 
 19 દેવ કહે છે, “હા, હું તને તારા પદસ્થાન પરથી દૂર હાંકી કાઢીશ, ને તને તારા હોદ્દા પરથી ઉથલાવી નાખીશ.  20 અને તે જ દિવસે હું મારા સેવક હિલ્કિયાના પુત્ર એલ્યાકીમને તેડાવી મંગાવીશ,  21 અને તેને તારો હોદ્દાનો પોશાક આપીશ, તેને તારો કમરબંધ બાંધીશ, અને તારો અધિકાર તેને સોંપીશ. તે યરૂશાલેમના વતનીઓના અને યહૂદાના લોકોના પિતાને સ્થાને ગણાશે. 
 22 “હું દાઉદના મહેલની ચાવી તેને સુપ્રત કરીશ, તેને તે ઉઘાડશે, તેને કોઇ બંધ નહિ કરી શકે, અને તેને તે બંધ કરશે તેને કોઇ ઉઘાડી નહિ શકે.  23 હું તેને મજબૂત રીતે ખોડેલા ખીલાની જેમ સ્થિરપણે સ્થાપીશ, અને તેના પિતાના કુટુંબને માટે તે ભારે ગૌરવરૂપ બની રહેશે.  24 તેઓ તેના બાપના ઘરના સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલાં જેવા નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે. 
 25 “સૈન્યોના દેવ યહોવાનું એવું વચન છે કે,એક દિવસ તેને સ્થાને મજબૂત રીતે ખોડેલો ખીલો ઊખડી જશે. અને તેના ઉપર લટકતો બધો ભાર ભોંયભેગો થશે અને તેના ટૂકડે ટૂકડા થઇ જશે.” આ યહોવાના વચન છે.