૧૬
 ૧ અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે 
દેશના અમલદારને માટે હલવાન મોકલો. 
 ૨ માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી 
જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે. 
 ૩ “સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; 
કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ. 
 ૪ મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, 
તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા.” 
કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, 
જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે. 
 ૫ ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. 
જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે. 
 ૬ અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, 
તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે. 
 ૭ તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. 
ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો. 
 ૮ કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષાવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. 
દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, 
તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. 
તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી. 
 ૯ તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માની દ્રાક્ષાવાડીને માટે રડીશ; 
હે હેશ્બોન તથા એલઆલે, હું તને મારાં આંસુઓથી સિંચીશ. 
કેમ કે તારા ઉનાળાનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે. 
 ૧૦ ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. 
દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે. 
 ૧૧ તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે. 
 ૧૨ જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, 
અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ. 
 ૧૩ યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.  ૧૪ ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”