52
ઈશ્વરનું ન્યાયશાસન અને કૃપા 
મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ:દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું. 
 1 ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો* 52:1 ભલા માણસો પ્રત્યે કરેલા દુષ્ટ કાર્યો  વિષે શા માટે અભિમાન કરે છે? 
ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે. 
 2 તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે 
અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે. 
 3 તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે 
અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે. 
 4 અરે કપટી જીભ, 
તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે. 
 5 ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; 
તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે 
અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. 
સેલાહ
  6 વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; 
તેઓ હસીને તેને કહેશે કે, 
 7 “જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, 
પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને 
પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો† 52:7 તે દુષ્ટ કાર્યોમાં વધી ગયો.” 
 8 પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; 
હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું. 
 9 હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. 
હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.