21
બાબિલના પતન અંગે સંદર્શન 
 1 સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી. 
નેગેબ તરફથી વંટોળિયાના સુસવાટાની જેમ 
આપત્તિ અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે. 
 2 મને એક દુઃખદાયી દર્શન દેખાડવામાં આવ્યું: 
ઠગ ઠગે છે, અને વિનાશ કરનાર વિનાશ કરે છે. 
હે એલામ, ચઢાઈ કર; હે માદાય ઘેરો નાખ; 
મેં તેના સર્વ નિસાસાને બંધ કર્યો છે. 
 3 તેથી મારી કમર પીડાથી ભરેલી છે; 
પ્રસૂતાની વેદના જેવી પીડા મારા પર આવી પડી છે; 
મેં જે સાંભળ્યું છે તેનાથી હું નીચો વળી ગયો છું; મેં જે જોયું છે તેનાથી હું વ્યાકુળ છું. 
 4 મારું હૃદય વ્યાકુળ થયું છે; ભયથી હું ત્રાસ પામ્યો છું; 
જે રાત હું ઇચ્છતો હતો તે મારા માટે ધ્રૂજારીમાં ફેરવાઈ ગઈ છે. 
 5 તેઓ મેજ તૈયાર કરે છે, જાજમ પાથરે છે અને ખાય છે પીએ છે; 
ઊઠો, સરદારો, ઢાલોને તેલ ચોપડો. 
 6 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે: 
“જા, ચોકીદાર ઊભો રાખ; તે જે કંઈ જુએ તેની તે ખબર આપે. 
 7 જો તે રથને, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારોને જુએ, 
ગધેડા અને ઊંટ પરના સવારોને જુએ, 
ત્યારે તે ખૂબ ધ્યાન રાખે અને ખૂબ સાવચેત રહે.” 
 8 પછી ચોકીદારે પોકાર કર્યો, 
“હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, 
આખી રાત હું મારી ચોકીની જગાએ ઊભો રહું છું.” 
 9 જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે. 
તેણે ઉત્તરમાં કહ્યું, “બાબિલ પડ્યુ છે, પડ્યું છે, 
તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.” 
 10 હે મારા ઝુડાયેલા લોકો, મારી ખળીના દાણા, 
જે મેં સૈન્યોના યહોવાહ, 
ઇઝરાયલનાં ઈશ્વર પાસેથી સાંભળ્યું છે, તે મેં તમને જણાવ્યું છે. 
અદોમ અંગે અગમવાણી 
 11 દૂમા વિષે ઈશ્વરવાણી. 
સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી ગઈ? હે ચોકીદાર, રાત કેટલી ગઈ?”  12 ચોકીદારે કહ્યું, “સવાર થાય છે અને રાત પણ આવે છે, જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરી પાછા આવો.” 
અરબસ્તાન અંગે અગમવાણી 
 13 અરબસ્તાન વિષે ઈશ્વરવાણી: 
હે દેદાનીઓના સંઘ, અરબસ્તાનમાંના અરણ્યમાં તમે રાત પસાર કરશો. 
 14 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો; 
રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો. 
 15 કેમ કે એ લોકો તલવારથી, ખુલ્લી તલવારથી, 
તાણેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધની પીડાથી નાસે છે. 
 16 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે, “મજૂરના કામના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે.  17 અને ધનુર્ધારીઓની સંખ્યાનો શેષ, કેદારીઓના શૂરવીરો, થોડા થશે;” કેમ કે હું ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ આ વચન બોલ્યો છું.