10
ઉત્તરનાં કુળોનો બળવો 
1 રાજા. 12:1-20 
 1 રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા.  2 એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિષે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો; રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો. 
 3 માણસ મોકલીને તેને મિસરમાંથી બોલાવવામાં આવ્યો હતો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી,  4 “તારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી. માટે હવે, તારા પિતાની સખત મહેનત તથા તેણે મૂકેલો ભારે બોજ તું કંઈક હલકો કર, એટલે અમે તારી સેવા કરીશું.”  5 રહાબામે તેઓને કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” તેથી લોકો ત્યાંથી પાછા ગયા. 
 6 રહાબામ રાજાએ, જયારે તેના પિતા સુલેમાન જીવતા હતા ત્યારે તેની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા તેઓની સલાહ લેતાં તેઓને પૂછ્યું, “આ લોકોને શો જવાબ આપવો તેના વિષે તમે મને શી સલાહ આપો છો?”  7 તેઓએ તેને કહ્યું, “જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે, તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે.” 
 8 પરંતુ વૃદ્ધ માણસોએ જે સલાહ આપી હતી તેની રહાબામે અવગણના કરીને તેની સાથે ઊભેલા જુવાનોની સલાહ લીધી.  9 તેણે યુવાનોને પૂછ્યું, “આ લોકોએ મને એમ કહ્યું છે કે, ‘તારા પિતાએ અમારા ઉપર જે બોજ મૂક્યો હતો તે કંઈક હલકો કર,’ હવે મારે તેઓને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છો?” 
 10 જે જુવાનો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ કહ્યું, “જે લોકોએ તારા પિતાએ મૂકેલો ભારે બોજો હલકો કરવાનું તને કહ્યું હતું. તેઓને તું કહેજે કે, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.  11 તેથી હવે, મારા પિતાએ તમારા ઉપર જે ભારે બોજો મૂક્યો હતો, તે બોજાનો ભાર હલકો કરવાને બદલે હું તમારા પર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો વીંછીઓથી શિક્ષા કરીશ.’ ” 
 12 રાજાએ કહેલું હતું, “ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો.” તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા.  13 રહાબામ રાજાએ તેઓને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો; અને વડીલોની સલાહને ગણકારી નહિ.  14 પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી; તેણે કહ્યું, 
“હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ; હું એ ઝૂંસરીનો ભાર વધારીશ. 
મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીંછીઓથી સજા કરીશ.” 
 15 આમ, રાજાએ લોકોની વાત સાંભળી નહિ, આ સર્વ ઈશ્વરની ઇચ્છાથી થયું હતું, કેમ કે ઈશ્વરે શીલોની અહિયા મારફતે નબાટના દીકરા યરોબામને જે વચન આપ્યું હતું તેને તે પૂર્ણ કરે. 
 16 જ્યારે આખા ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી ત્યારે લોકોએ તેને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના દીકરામાં અમારો શો વારસો? દરેક જણ પોતપોતાના ઘરે પાછા જાઓ. હે દાઉદ પુત્ર, હવે તારું પોતાનું ઘર તું સંભાળજે.” એવું કહીને તમામ ઇઝરાયલી લોકો પોતપોતાને ઘરે પાછા ગયા. 
 17 પણ યહૂદિયાના નગરોમાં જે ઇઝરાયલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું.  18 પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.  19 એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.