5
 1 પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે.  2 પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે.  3 તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે. 
 4 કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે.  5 ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું, 
“તું મારો પુત્ર છે; 
આજે હું તારો પિતા બન્યો છું.” ગીતશાસ્ત્ર 2:7 
 6 અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે, 
“તું મલ્ખીસદેક* મલ્ખીસદેક ઈબ્રાહિમનાં સમયમાં થઈ ગયેલ એક યાજક અને રાજા. (વાંચો ઉત. 14:17-24) ની માફક 
સનાતન યાજક રહીશ.” ગીતશાસ્ત્ર 110:4 
 7 ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી.  8 ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો.  9 આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો.  10 અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું. 
પતનની વિરુંદ્ધ ચેતવણી 
 11 આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી.  12 જો કે આ સમયે તો તમારે ઉપદેશક થવું જોઈતું હતું. પરંતુ આ સમયે એવું દેખાય છે કે બીજા લોકો તમને ફરીથી દેવના વચનનાં મૂળતત્વો શીખવે. તમારે ભારે ખોરાક નહિ પરંતુ દૂધની જરુંરીયાત છે એવા તમે થયા છો.  13 જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે.  14 પણ જેઓ પુખ્ત ઉંમરના છે. એટલે જેઓની ઈન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સાંરું ભારે ખોરાક છે. તેથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યા સિવાય તમે ભારે ખોરાક એટલે કે જ્ઞાન પચાવી શકશો નહિ.